મહત્ત્વપૂર્ણ ચૂકાદો : ડી. કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય, ૧૯૯૭

જાણો, ધરપકડનો મેમો (મેમો ઓફ એરેસ્ટ), નિરીક્ષણ મેમો (ઈન્સ્પેક્શન મેમો),પોલીસ સ્ટેશનની ડાયરી (રોજનામું),કાનૂની મદદનો અધિકાર,હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ

મહત્ત્વપૂર્ણ ચૂકાદો : ડી. કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય, ૧૯૯૭

આ ચુકાદામાં નીચેની બાબતો અંગે આદેશ આપવામાં આવે છે.
•    પૂછપરછ અને ધરપકડના સમયે તમામ પોલીસ કર્મચારીએ પોતાના નામ અને હોદાવાળી નેઈમ પ્લેટ લગાડેલી હોવી જોઈએ.
•    જે પોલીસ અધિકારી પૂછપરછમાં સામેલ હોય તેમની તમામ વિગતો નિયત રજિસ્ટરમાં નોંધવી જોઈએ.

ધરપકડનો મેમો (મેમો ઓફ એરેસ્ટ)
•    ધરપકડ કરતી વખતે પોલીસ એક મેમો બનાવશે.
•    આ મેમોમાં ઓછામાં ઓછો એક સાક્ષી હસ્તાક્ષર કરશે. આ સાક્ષી પરિવારનો સભ્ય હોઈ શકે અથવા વિસ્તારની કોઈ ઓળખીતી વ્યક્તિ પણ હોઈ શકે.
•    મેમો પર ધરપકડ થયેલ વ્યક્તિના હસ્તાક્ષર હશે.
•    મેમો પર ધરપકડનો સમય અને તારીખ પણ લખી હશે.

નિરીક્ષણ મેમો (ઈન્સ્પેક્શન મેમો)
•    ધરપકડ થયેલ વ્યક્તિના શરીર પર સાધારણ અથવા ગંભીર ઈજાની તપાસ થવી જોઈએ.
•    જો કોઈ ઈજા હોય તો તેની મેમોમાં નોંધ હોવી જોઈએ.
•    નિરીક્ષણ મેમોની એક કોપી ધરપકડ થયેલી વ્યક્તિને આપવામાં આવશે.
•    આરોપીને એ અધિકાર છે કે તેની ધરપકડની માહિતી કોઈને આપવામાં આવે.
•    ધરપકડ થયેલી વ્યક્તિને આ અધિકાર છે કે તેની ધરપકડની માહિતી તેના કોઈ પરિચિત અથવા સંબંધીને કરવામાં આવે. તે માહિતીમાં એમ પણ જણાવવામાં આવે છે કે તે કયા સ્થળે છે?
•    જો કોઈ પરિચિત અથવા સંબંધી અન્ય કોઈ શહેરમાં રહેતા હોય તો ત્યાંની પોલીસ ચોકીમાં તારના માધ્યમથી ધરપકડના ૮થી ૧૨ કલાકની અંદર માહિતી આપવામાં આવે.
•    આ માહિતી એ જિલ્લાના કાનૂની સલાહ કેન્દ્ર દ્વારા પણ આપી શકાય છે.

પોલીસ સ્ટેશનની ડાયરી (રોજનામું)
•    ધરપકડની વિગત રોજનામામાં નોંધેલ હોવી જોઈએ.
•    આરોપીના જે પરિચિતને ધરપકડની માહિતી આપવામાં આવી હોય તેનું નામ અને સરનામું નોંધેલું હોવું જોઈએ.
•    રોજનામામાં એ પણ નોંધેલું હોવું જોઈએ કે આરોપીને કયા પોલીસ અધિકારીની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
•    ધરપકડ થયેલ વ્યક્તિની તપાસ દરેક ૪૮ કલાક પછી ડૉક્ટર પાસે કરાવવામાં આવે.
•    આવી તપાસ કરનાર ડૉક્ટર, તપાસ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય સેવા વિભાગ દ્વારા નિમાયેલ પેનલનો સભ્ય હોવો જરૂરી છે.
•    આરોગ્ય સેવા વિભાગની પણ જવાબદારી છે કે બધા જ તાલુકા તથા જિલ્લા મથકો માટે આ પ્રકારની પેનલ તૈયાર કરાવે.

કાનૂની મદદનો અધિકાર
•    ધરપકડ સમય થયેલા વ્યક્તિને પૂછપરછ દરમિયાન પોતાના કરાિને વકીલને જ મળવાની પરવાનગી મળવી જોઈએ.

હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ
•    હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટને ધરપકડ સંબંધિત બધા જ કાગળીયાની એક નકલ મોકલવી - ખૂબ જરૂરી છે.
•    આમાં ધરપકડ મેમો પણ સામેલ છે.

પોલીસ કન્ટ્રોલ રૂમ
•    બધા જ જિલ્લામાં અને રાજ્યના મુખ્ય મથકોમાં પોલીસ કન્ટ્રોલ રૂમ હોવા જોઈએ.
•    ધરપકડ થયેલ વ્યક્તિને રાખવાના સ્થળની માહિતી પોલીસ કન્ટ્રોલ રૂમને ધરપકડના ૧૨ કલાકમાં અવશ્ય મોકલી આપવી.
•    આ માહિતી કન્ટ્રોલ રૂમમાં એવા નોટિસ બોર્ડ પર સ્પષ્ટ શબ્દોમાં લગાડવામાં આવવી જોઈએ કે જેને બધા વાંચી શકે