જાણો, જામીન(Bail) વિશે સંપૂર્ણ માહિતી
જામીન શું છે? જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓ એટલે શું? જામીન કેવી રીતે મળે છે? શું જામીન આપતી વખતે રોકડા પૈસા ભરવા પડે છે?

પ્રશ્ન : જામીન શું છે ?
જવાબ : કોઈ અપરાધની કાર્યવાહી અથવા સુનાવણી દરમ્યાન ધરપકડ થયેલ આરોપીને કેટલીક શરતો પર છોડી શકાય છે, જેને જામીન કહે છે. જામીનની જવાબદારી કાં તો વ્યક્તિ પોતે લે છે અથવા કોઈ અન્ય વ્યક્તિ લે છે.
પ્રશ્ન : જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓ એટલે શું ?
જવાબ : જામીનપાત્ર ગુના એટલે તેવા ગુના કે જેને કાયદાએ જામીન લઈ શકાય તેવા જાહેર કર્યા છે. બિનજામીનપાત્ર ગુના એટલે જેમાં જામીન ન લઈ શકાય તેવા અન્ય ગુના.
પ્રશ્ન : જામીનપાત્ર ગુનાઓ અને બિનજામીનપાત્ર ગુનાઓ વચ્ચે શું તફાવત છે ?
જવાબ : જામીનપાત્ર ગુનાઓ અને બિનજામીનપાત્ર ગુનાઓ વચ્ચે નીચે મુજબ તફાવત છે.
જામીનપાત્ર ગુનો
• જામીન પર છૂટવાનો આરોપીનો અધિકાર છે.
• આવા ગુનામાં પોલીસ આરોપીને જામીન પર મુક્ત કરી શકે છે.
બિનજામીનપાત્ર ગુનો
• આરોપીને જામીન પર છોડવો કે કેમ તે અદાલતની વિવેકબુદ્ધિની સત્તાને આધિન છે.
• આવા ગુનામાં પોલીસને આરોપીને જામીન પર મુક્ત કરવાની સત્તા હોતી નથી.
પ્રશ્ન : કયા કયા ગુના જામીન લાયક છે અને કયા કયા બિનજામીન લાયક ?
જવાબ : આ અંગેની યાદી ફોજદારી કાર્યવાહી સંહિતા (૧૯૭૩) અને અન્ય કાયદાઓમાં આપવામાં આવેલ છે.
પ્રશ્ન : જામીન કેવી રીતે મળે છે ?
જવાબ : જે ગુનામાં જામીન પર છોડી શકાય છે તેને માટે જામીન મળવા તે આરોપીનો અધિકાર છે. જામીન માટે જામીનપત્ર પર હસ્તાક્ષર કરવાના હોય છે. આની સાથે કોઈ વ્યક્તિના જામીન પણ જરૂરી છે. કેટલાક ગુના એવા છે જેમાં પોલીસે જામીન આપવા જ પડે છે.
પ્રશ્ન : શું જામીન રદ્દ પણ થઈ શકે છે?
જવાબ : હા, જામીન પર છૂટી ગયા પછી સાક્ષીને ડરાવી-ધમકાવી અથવા લલચાવી અથવા પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવે તો જામીનની શરતોનો ભંગ થાય તો જામીન રદ થઈ શકે છે.
યાદ રાખો જામીન પર છૂટવાનો અર્થ છૂટી જવું નથી.
પ્રશ્ન : જામીનની અરજીમાં શું શું લખવાનું હોય છે ?
જવાબ :
• નામ તથા ધરપકડની તારીખ
• કયા ગુના માટે ધરપકડ કરવામાં આવી.
• સરનામું. ત્યાં કેટલા વર્ષથી રહો છો. કુટુંબનું સંક્ષિપ્ત વિવરણ.
• મકાન પોતાનું છે કે ભાડાનું કે પિતાનું ટૂંકમાં વિવરણ.
• ક્યાં કામ કરો છો? કેટલા વર્ષથી?
• શું આ પહેલા આપની ધરપકડ કરવામાં આવી હતી. (ત્યારે જ લખો જ્યારે તે સાચું હોય)
• લખો કે તમે આ ગુનો નથી કર્યો (ત્યારે લખો જો સાચું હોય).
• મારી આ પ્રાર્થના છે કે મને જામીન પર છોડવામાં આવે.
• તમારા અંગે કોઈ જાણકારી આપવા ઈચ્છો તો આપી શકો છો. જેમ કે હું .......... જગ્યાઓ/સમુદાયનો રહેવાસી છું .......... સમુદાય/સ્થાનના લોકો મને જાણે છે અને તેથી મારી ભાગી જવાની આશંકા નથી.
પ્રશ્ન : જામીનની અરજી કોને આપવામાં આવે છે ?
જવાબ : ધરપકડના પ્રથમ દિવસે અદાલતમાં હાજર કરવાના દિવસે મેજિસ્ટ્રેટ જજ સાહેબને એક સાદા કાગળ પર લખીને આપવાની હોય છે.
પ્રશ્ન : આગોતરા જામીન એટલે શું ?
જવાબ : જ્યારે કોઈ વ્યક્તિને એવી શંકા હોય કે તેની કોઈ બિનજામીન ગુનામાં ધરપકડ થઈ શકે છે તો કાયદામાં તેને સગવડ આપી છે કે તે સેશન્સ કોર્ટ અથવા ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન માટે અરજી આપી શકે છે. એટલે કે ધરપકડની સ્થિતિમાં તરત જ જામીન પર છોડી મૂકવામાં આવે.
પ્રશ્ન : આગોતરા જામીન માટે અરજી ક્યાં આપવાની હોય છે?
જવાબ : સેશન્સ કોર્ટ અથવા ઉચ્ચ ન્યાયાલયમાં.
પ્રશ્ન : આના માટે કઈ શરતો હોય છે ?
જવાબ :
• પોલીસ જ્યારે અને જ્યાં પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવું.
• સાક્ષીઓને ડરાવવા, ધમકાવવા, લાલચ આપવી નહીં.
• ન્યાયાલયની રજા મંજૂરી વગર દેશની બહાર ન જવું વગેરે.
• આગોતરા જામીનનો આદેશ થવાથી મેજિસ્ટ્રેટ પણ જામીન વોરંટ કાઢી શકે છે. ન્યાયાલયમાં હાજર થયા પછી શરત મુજબ જામીન અને મુચરકાં આપવો પડે છે.
પ્રશ્ન : જામીન લાયક ગુનાઓની જામીન ક્યાંથી મળે છે ?
જવાબ : જામીન લાયક ગુનામાં પોલીસ જ આરોપીને જામીન લઈ છોડી શકે છે. આને માટે આરોપીનો કોઈ સંબંધી અથવા ઓળખીતો વ્યક્તિ પોતાની જામીન પર આરોપીને છોડવાની જવાબદારી લે છે. જામીનની કોઈ મોટી રકમ નથી હોતી. કેટલાક રૂપિયાના જામીન પર જ આરોપીને છોડવામાં આવે છે.
• પોલીસ અથવા કોર્ટ જાત મુચરકાની સાથે સાથે કોઈ અન્યની એક અથવા વધારે જામીન આપવા માટે આદેશ આપી શકે છે. જામીનદાર ગુનેગાર ન હોવો જોઈએ. જેટલી રકમના બોન્ડ ભરવાનો આદેશ હોય તેટલી રકમ ચૂકવી શકવાની સક્ષમતાવાળા જ જામીન તરીકે રહી શકે છે. આવા જાત મુચરકાને સિક્યુરિટી બોન્ડ કહે છે અને જામીન થનારને જામીનદાર કહે છે.
•જો જામીન પર છૂટેલી વ્યક્તિ જામીનની શરતોનો ભંગ કરે તો જામીનની રકમ જપ્ત કરી શકાય છે અને જામીનદારે બોન્ડની રકમ સરકારને આપવી પડે છે.
પ્રશ્ન : જામીન માટે શું વકીલનું હોવું જરૂરી છે ?
જવાબ : જામીન લાયક ગુનામાં જામીન માટે વકીલની જરૂર નથી. જામીન માટે પોલીસ એક આવેદનપત્ર આપે છે તેને ભરીને આપવું પડે છે.
પ્રશ્ન : શું આવેદનપત્ર ભરી આપવાથી જામીન મળી જાય છે ?
જવાબ : આવેદનપત્ર ભર્યા પછી એક અથવા બે વ્યક્તિઓના જામીનખત લેવામાં આવે છે. જામીનખતમાં જામીનદાર એવી જવાબદારી લે છે કે જરૂર પડવાથી આરોપી પોલીસ પાસે કે કોર્ટમાં હાજર થશે.
પ્રશ્ન : શું જામીન આપતી વખતે રોકડા પૈસા ભરવા પડે છે ?
જવાબ : જામીન આપતી વખતે જામીનગીરીની રકમ રોકડમાં ભરવાની રહેતી નથી. પરંતુ જો આરોપી કોર્ટની કાર્યવાહીમાં સામેલ નહીં થાય અને ભાગી જાય તો જામીનદારે જામીનપત્રમાં જણાવેલી જામીનની રકમ ભરવી પડે છે.
જામીનખત
તમારું નામ :
તમારું સરનામું :
પોલીસ સ્ટેશનનું અથવા કોર્ટનું નામ :
જામીનની રકમ :
જામીનની શરતો :
(જેવી કે : કોઈ પણ દિવસે બોલાવવાથી આરોપી એ પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં હાજર થવા વચનબદ્ધ થાય છે.)
આમાં એ પણ લખવામાં આવશે કે જો જામીનની શરતનો ભંગ થશે તો સરકારના પક્ષમાં જામીનની રકમ જપ્ત કરવામાં આવશે.
જામીનની શરતનો ભંગ થવાથી જામીનદારને સૂચના આપવામાં આવશે કે જામીનની રકમ જમા કરાવી દેવી. જો આનાથી પણ રકમ જમા ન કરવામાં આવે તો જામીનદારની સંપત્તિને જપ્ત કરવાનું વોરંટ કાઢવામાં આવશે. જામીનની શરતનો ભંગ કરવાથી આરોપીની ફરીથી ધરપકડ કરવામાં આવશે.
પ્રશ્ન : જામીન મેળવવા યોગ્ય આરોપી કયા કયા હોય છે ?
જવાબ : ધરપકડ થયેલ વ્યક્તિ જો....
•સોળ વર્ષથી ઓછી ઉંમરનો હોય, મહિલા હોય અથવા બીમાર અને અશક્ત હોય તો એવા આરોપીને મેજિસ્ટ્રેટ જામીન પર મુક્ત કરી શકે છે .
• ધરપકડ થયેલ વ્યક્તિની વિરુદ્ધ મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા પાત્ર ગુનામાં સેશન્સ અદાલત જામીન પર મુક્ત કરી શકે છે.
• ધરપકડ થયેલ વ્યક્તિને અંગત મુચરકો અને બીજા પ્રતિષ્ઠિત અને નાણાકીય રીતે સદ્ધર જામીન આપવા પડે છે ત્યારે જ તેને જામીન ઉપર છોડી શકાય છે અન્યથા જેલમાં બંધ રાખીને જ સુનાવણી થાય છે.
• જો આરોપી કેસ ચલાવવાના સમય દરમ્યાન અટકાયતમાં હોય અને ગુનામાં નિર્ધારિત કરેલી સજા અડધી કાપી ચૂક્યો હોય તો તેને જાત મુચરકા પર છોડી શકાય છે. પરંતુ આ જોગવાઈ મૃત્યુદંડ આપી શકાય તેવા ગુનાઓને લાગુ પડતી નથી