ઈન્કમટેક્સ રિટર્ન એટલે શું? જાણો સંપૂર્ણ માહિતી
ઇન્કમટેક્સ એટલે કે આવકવેરો શું છે? ઇન્કમટેક્સ રિટર્ન એટલે શું? ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી શું ફાયદા થાય? રિટર્ન કેવી રીતે ભરવું?

ઇન્કમટેક્સ રિટર્ન એક એવી બાબત છે જેને સમજવી દરેક માટે જરૂરી છે. તે શું હોય છે? તે કેવી રીતે, ક્યાં ભરી શકાય? તે શા માટે ભરવું જોઈએ? આ પ્રશ્નોને કારણે ઘણાના મનમાં ગૂંચવણો ઊભી થતી હોય છે. અને અંતે લોકો સીએ અથવા કોઈ જાણકાર વ્યક્તિને 1000-2000 ચૂકવીને ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કરાવી લેતા હોય છે. જો કે ઈન્કમટેકસ રિટર્ન ભરવું ખૂબ સરળ અને આસાન હોય છે. તમે જાતે પણ રિટર્ન ભરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે
ઇન્કમટેક્સ એટલે કે આવકવેરો શું છે?
આવકવેરાને સરળ શબ્દોમાં સમજીએ તો આપણે જે આવક કરીએ છીએ તેમાંથી સરકારને આપવો પડતો ટેકસ. સરકારી કે પ્રાઇવેટ નોકરી અથવા બિઝનેસ દ્વારા તમે જે કમાણી કરો છો તેમાંથી સરકારને ટેક્સ આપવો પડતો હોય છે. જો કે ઈન્કમટેકસ બધાએ નથી ભરવાનો હોતો, પરંતુ આવક વધુ હોય તો ભરવો પડે છે. હાલમાં ભારતમાં અઢી લાખની આવક પર ટેક્સ માફી આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, કંપની, સંસ્થા, સંગઠન વગેરેની આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટેકસ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. અને ઈન્કમટેકસ એક્ટની કલમ 10 મુજબ 3 લાખ કરતાં ઓછી આવક પર અને ખેતીની આવક પર કોઈ ઈન્કમટેકસ નથી.
એક વાત ખાસ જાણવા જેવી છે કે દેશનો દરેક નાગરિક ટેક્સ તો ભરે જ છે. જેઓ ઈન્કમટેકસ નથી ભરતા તેઓ પરોક્ષ રીતે એટલે કે માલસામાનની ખરીદી પર ટેક્સ ભરે છે.
ઇન્કમટેક્સ રિટર્ન એટલે શું?
ભારતમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો નાણાકીય વર્ષ તરીકે ગણવામાં આવે છે. દર વર્ષે એક વાર તમારે તમારો ખર્ચો અને આવક સરકારને બતાવવાના હોય છે. વર્ષ દરમિયાન તમે કેટલી આવક કરી, કેટલી લોન ભરી, ક્યાં કેટલો ખર્ચો કર્યો, કેટલો ટેક્સ ભર્યો વગેરે જેવી તમામ બાબતો માટે ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ ભરવાનું હોય છે.
આ ડેટા પરથી સરકાર ચેક કરે છે કે તેણે ભૂલથી તમારી પાસેથી વધુ ટેક્સ તો નથી લઈ લીધો? જો વધુ ટેક્સ લેવાય ગયો હોય તો તમે ભરેલો સંપૂર્ણ અથવા આંશિક ટેક્સ તમને પરત કરવામાં આવશે.
ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી શું ફાયદા થાય?
- કોઈ પણ બેન્ક લોન કે ક્રેડિટ કાર્ડ લેવામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરતા લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે.
- ઇન્કમટેક્સની કોપી પાક્કા એડ્રેસ પ્રૂફ તરીકે માન્ય છે. સરકારી કામ કે પાસપોર્ટ જેવા કામ માટે તેનો પ્રમાણપત્ર તરીકે ઉપયોગ કરી શકાય છે.
- જો તમે ધંધાર્થે વિદેશ જવા માંગતા હોવ તો ITR તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે લગભગ દરેક દેશના દૂતાવાસ વિઝા આપતા પહેલા છેલ્લા બે વર્ષના ITR માંગે છે. તેનાથી વિઝા મળવામાં સરળતા રહે છે.
- જો તમે 1 કરોડ કરતાં વધારેનો વીમો લેવા માંગો છો તો વીમા કંપની રિટર્ન માંગી શકે છે. કંપની ચેક કરે છે કે તમે બે નંબરનું કામ તો નથી કરી રહ્યાં.
- જો તમારી આવક ટેક્સ ભરવો પડે તેટલી નથી ને છતાંય કંપની તમારી આવક પર ટેક્સ કાપી રહી હોય તો તમે રિટર્ન ભરીને TDS સ્વરૂપે પૈસા પાછા લઈ શકો છો.
- ટુંકમાં તમારી આવક ટેક્સ ભરવો પડે તેટલી ન હોય તો પણ તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરી શકો છો. સરળ ભાષામાં કહીએ તો ઈન્કમટેકસ રિટર્ન તમારી રેગ્યુલર ઈનકમનું સબૂત છે.
રિટર્ન કેવી રીતે ભરવું?
નોકરી કરતા વ્યક્તિ 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરી શકે છે. જ્યારે ધંધો કરતા વ્યક્તિઓ 30 સપ્ટેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરી શકે છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોય છે.