સોનું ચોરી થાય તો તમને આ રીતે મળશે પૈસા પાછા!
જાણો ચોરાયેલા સોનાના પૈસા પાછા કઈ રીતે મળે?

શું તમે જાણો છો કે સોનાની ખરીદી કરવાની સાથે તમને તેનો વીમો પણ મળે છે? એ પણ બિલકુલ ફ્રી. કદાચ નહીં જાણતા હોવ. એ વિમાનો લાભ તમને સોનું ચોરાઈ જાય ત્યારે થાય છે. પણ આપણામાંથી મોટાભાગના લોકોને આ વાતની ખરાબ જ નથી હોતી. જો તમારી પાસે વીમો હશે તો તમે જે કંપની પાસેથી સોનું ખરીદ્યું હશે તે તમને બધા પૈસા પાછા આપશે.
અહીં મહત્ત્વની વાત એ છે કે જો તમે કલ્યાણ જવેલર્સ, સેન્કો ગોલ્ડ અને ડાયમંડ, મલબાર ગોલ્ડ જેવા મોટા જવેલર્સમાંથી સોનું ખરીદો તો જ આ વિમાનો તમે લાભ મેળવી શકો છો. પણ હાલના સમયમાં આવા મોટા જવેલર્સની સાથે ઘણા નાના જવેલર્સ પણ આ પ્રકારનો વીમો આપવાનું શરૂ કર્યું છે.
તમને પ્રશ્ન થતો હશે કે સોનું ચોરાઈ જાય તો પૈસા પાછા આપીને કંપની શા માટે નુકશાન વેઠે? વાસ્તવમાં જ્યારે પણ કોઈ જ્વેલર્સ સોનું ખરીદે ત્યારે તેને સુરક્ષિત રાખવા માટે ગ્રુપ વીમા પોલિસી લેતા હોય છે, જે એક વર્ષ માટે હોય છે.
આ પોલિસી આગ, આગથી થતાં નુકશાન, કુદરતી આફતો જેમ કે; ભૂકંપ, પૂર વગેરેના નુકશાનને આવરી લે છે. તદુપરાંત રમખાણો, હડતાલ, લૂંટ, ચોરી, અકસ્માતો, આતંકવાદ અને સંભવિત નુકશાન જેવી ઘટનાઓને પણ આવરી લે છે.
આ પોલિસી રીન્યુ પણ થઈ શકે છે. તમામ કંપનીઓની પોલિસી એક સમાન નથી હોતી, આથી તમે જ્યારે પણ સોનું ખરીદો ત્યારે પૂછો કે શું તેઓ વિમો આપે છે? જો હા, તો કેટલા દિવસ માટે આપે છે? સામાન્ય રીતે આ વીમા પોલિસી એક વર્ષ માટે હોય છે, એક વર્ષ પછી તમે તેને રીન્યુ પણ કરી શકો છો.
પોલીસી રીન્યુ કરવા માટે તમે ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમે જ્વેલર્સને વાત કરશો તો તેઓ તમારા તરફથી વીમા પ્રીમિયમ ચૂકવવાનું પણ શરૂ રાખશે. આ પોલિસી પણ અન્ય વીમા પોલિસીની જેમ જ હોય છે. આપણે વાહન, મિલકત વગેરે માટે વીમો લઈએ તેમ ઘરેણાં માટે પણ લઈ શકીએ છીએ.
દાગીના ખોવાઈ જાય, કોઈ દેખીતા કારણ વિના ગુમ થઈ જાય, તમે ભૂલથી કોઈ ખોટી જગ્યાએ મૂકી દો અથવા સરકાર તે જપ્ત કરી લે તેવા કારણોને વીમા પોલિસીમાં આવરી લેવામાં આવતા નથી. આ કારણોને કંપની ગ્રાહકની ઇરાદાપૂર્વકની બેદરકારીનું પરિણામ માને છે.
જો તમે પોલીસ ફરિયાદ કરી હોય અને તમારી પાસે રસીદ હોય, તમે વીમા પોલિસીમાં આવરી લેવામાં આવતા કારણો મુજબ ઘરેણાં ગુમાવો છો તો તમે કંપની પાસે દાવો કરી શકો છો. હા, તમને ઘરેણાંની પૂરી કિંમત પાછી મળી શકે નહિ કારણ કે મેકિંગ ચાર્જીસ અને ટેકસ પણ જ્વેલરીની કિંમતમાં સામેલ હોય છે. વીમાની પોલિસી સામાન્ય રીતે જ્વેલરીની કિંમતના 95 ટકા સુધી આવરી શકે છે.
હવે પ્રશ્ન એ છે કે દાવો કેવી રીતે કરવો? સામાન્ય રીતે સેલર્સ તમને દાવો કરવા માટે પોલિસીની કોપી કે પછી તેની માહિતી આપતા નથી. પરંતુ તમારી મદદ માટે જવેલર્સ તેમની વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન અથવા કન્સલ્ટન્સી ઓફર કરી શકે છે. જો તમારી પાસે વીમાની કોઈ માહિતી નથી તો જવેલર્સને માસ્ટર પોલિસી નંબર અને વીમા કંપનીનું નામ પૂછો.
એ સિવાય તમે ડાયરેક્ટ વીમો આપનારનો કોન્ટેક્ટ કરી શકો છો. દાવો કરવા માટે પોલીસ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ અને અન્ય મદદરૂપ થઈ શકે તેવા ડોક્યુમેન્ટ્સની સાથે ઘરેણાંનું નુકશાન થવાના કારણોની જરૂર પડે છે.