જાણો, રિમાન્ડ(Remand) વિશે સંપૂર્ણ માહિતી

પોલીસ કસ્ટડીમાં આરોપીને ક્યાં સુધી રાખી શકે છે ? કહેવાય છે કે રિમાન્ડ પર લીધા પછી વ્યક્તિને ઘણી યાતનાઓ આપવામાં આવે છે?

જાણો, રિમાન્ડ(Remand) વિશે સંપૂર્ણ માહિતી

કોઈ વ્યક્તિની ધરપકડ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે તો કોર્ટ ત્રણ કાર્યવાહી કરી શકે છે. જામીન પર છોડી શકે છે, પોલીસ કસ્ટડીમાં મોકલી આપે અથવા ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે.

પ્રશ્ન : પોલીસ કસ્ટડીની કાર્યવાહી શું હોય છે અને કેવી રીતે થાય છે ?
જવાબ : આરોપીને અદાલતમાં રજૂ કરતી વખતે પૂછપરછ ચાલુ રાખવા માટે પોલીસ આરોપીને પોતાની કસ્ટડીમાં રાખવાની માગણી કરી શકે છે. કોર્ટની લેખિત સ્વીકૃતિ પછી ધરપકડ થયેલ વ્યક્તિને ફરીથી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે.

પ્રશ્ન : આવી પોલીસ કસ્ટડીમાં આરોપીને ક્યાં સુધી રાખી શકે છે ?
જવાબ : વધુમાં વધુ ૧૪ દિવસ.

પ્રશ્ન : કહેવાય છે કે રિમાન્ડ પર લીધા પછી વ્યક્તિને ઘણી યાતનાઓ આપવામાં આવે છે?
જવાબ : પોલીસ રિમાન્ડ દરમ્યાન કોઈ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર કે મારપીટ કરવી ગેરકાનૂની છે. જો એમ કરવામાં આવતું હોય તો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે ફરિયાદ થઈ શકે છે.

પ્રશ્ન : ન્યાયિક કસ્ટડી એટલે શું?
જવાબ : ન્યાયિક કસ્ટડીને જ્યુડિશિયલ કસ્ટડી પણ કહે છે.
• “ન્યાયિક કસ્ટડી”નો અર્થ છે કે કાર્યવાહી માટે આરોપીને કોર્ટના રક્ષણમાં જેલમાં રાખવામાં આવશે અને કાર્યવાહી દરમ્યાન તેને ત્યાંથી જ હાજર કરવામાં આવશે.

પ્રશ્ન : ન્યાયિક કસ્ટડી કેટલા સમય માટે હોય છે ?
જવાબ : ન્યાયિક કસ્ટડી એક વખતે ફક્ત ૧૫ દિવસ માટે હોય છે.
• ૧૫ દિવસની કસ્ટડી પછી જો કસ્ટડી વધારવાની હોય તો કેદીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી કોર્ટનો આદેશ ફરીથી લેવો પડે છે. કેદીને ફક્ત કોર્ટના લોક-અપ સુધી લાવવો પૂરતું નથી. કેદીને પ્રત્યક્ષ રીતથી મેજિસ્ટ્રટ સામે હાજર કરવો પડે છે. જજ સમક્ષ હાજર કર્યા સિવાય કસ્ટડીનો સમય વધારવો ગેરકાનૂની છે.

• રાજુને બળાત્કારના આરોપમાં ધરપકડ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો.
• મહેશની ખૂનના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેને પણ મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો જેને મેજિસ્ટ્રેટના આદેશથી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
• આ બંને ઘટના ગુનાઓ સંબંધિત છે પરંતુ રાજુને પોલીસ કસ્ટડી માટે મોકલવામાં આવ્યો અને મહેશને ન્યાયિક કસ્ટડીમાં.

પ્રશ્ન : પોલીસ કસ્ટડી અને ન્યાયિક કસ્ટડીમાં શું ફરક છે ?
જવાબ : ઉપરોક્ત ઘટનાઓમાં મહેશ અને રાજુ બંનેના અપરાધ બિનજામીન લાયક છે. ધરપકડ થયેલ વ્યક્તિને પોલીસ ૨૪ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી દે છે.
• જો મેજિસ્ટ્રેટ જામીન આપવા માટે મનાઈ કરે તો ધરપકડ થયેલ વ્યક્તિને પોલીસ કસ્ટડી અથવા ન્યાયિક કસ્ટડીમાંથી કોઈ પણ એક જગ્યાએ મોકલી શકાય છે?
• સામાન્ય રીતે પોલીસ, આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવાની માગણી કરે છે. જેથી પૂછપરછ કરી ગુનાની તપાસમાં મદદ મળે. પોલીસ કસ્ટડીમાં આરોપી લોક-અપમાં જ રહે છે.
• ન્યાયિક કસ્ટડીમાં આરોપી જેલમાં રહે છે. ન્યાયિક કસ્ટડીમાં રાખવાથી મેજિસ્ટ્રેટની પરવાનગી વગર પોલીસ આરોપીની પૂછપરછ કરી શકતી નથી.
• કસ્ટડીની અવધિ ૧૫ દિવસથી વધુ હોઈ શકતી નથી.

પ્રશ્ન : શું ગુનાની સુનાવણી અને નિર્ણય થાય ત્યાં સુધી પૂરા સમય માટે આરોપીને જેલમાં જ રહેવું પડે છે ?
જવાબ : જો આરોપીના જામીન ન થયા હોય તો તેણે જેલમાં જ રહેવું પડે છે.

પ્રશ્ન : આરોપી ક્યારે જામીનની અરજી કરી શકે છે ?
જવાબ : આરોપી ઈચ્છે તો વારંવાર અરજી આપી શકે છે. કાયદામાં એવી જોગવાઈ છે કે જો તપાસ ચોક્કસ સમયમર્યાદામાં પૂરી નથી થઈ શકતી તો આરોપીને જામીન પર છૂટવાનો અધિકાર છે.

પ્રશ્ન : તપાસની સમયમર્યાદા કેટલી હોય છે ?
જવાબ : જે ગુનાની સજા મૃત્યુ, આજીવન કારાવાસ અથવા ઓછામાં ઓછા ૧૦ વર્ષની જેલ છે, તેમાં તપાસ અથવા આરોપ પત્ર ૯૦ દિવસની અંદર ન થવાથી આરોપી જામીનને હકદાર થાય છે.