જાણો, ધરપકડ(Arrest) વિશે સંપૂર્ણ માહિતી
શું પોલીસ વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે ? જો કસ્ટડીમાં પોલીસ દ્વારા ખરાબ વ્યવહાર કે મારપીટ કરવામાં આવી હોય તો તેની ફરિયાદ ક્યાં કરી શકાય છે? કેવી રીતે કરવામાં આવે છે ? મહિલા કેદીઓના અધિકાર

જો કોઈ કારણવશ પોલીસ કોઈની ધરપકડ કરે તો પોલીસે એ જણાવવું પડશે કે કયા ગુના માટે ધરપકડ કરાઈ રહી છે
પ્રશ્ન : શું પોલીસ વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે ?
જવાબ : હા, કેટલાક ગુનામાં વોરંટ વગર ધરપકડ થઈ શકે છે.
પ્રશ્ન : શું ધરપકડ બાબતે આપણે કાનૂનની મદદ લઈ શકીએ છીએ ?
જવાબ : વકીલને બોલાવીને તેની પાસે કાનૂની મદદ લઈ શકાય છે. વકીલને જલદીથી બોલાવી શકાય.
પ્રશ્ન : શું ધરપકડ કરતી વખતે પોલીસ બળજબરી કરી શકે છે ?
જવાબ : ધરપકડ વખતે બળજબરી કરવી ગેરકાનૂની છે. ધરપકડ થનાર વ્યક્તિ જે સ્વયં પોતાને પોલીસને હવાલે કરી દે તો તેને હાથ લગાડવો પણ જરૂરી નથી.
• ધરપકડ જો કોઈ બંધ સ્થળે અથવા મકાનમાંથી થતી હોય અને વ્યક્તિ પોતે પોલીસ સામે નથી આવતો અથવા બચવા માટે છૂપાઈ જાય છે તો મકાન માલિકનું કર્તવ્ય છે કે તે સ્થાન અથવા મકાનમાં ઘૂસીને, શોધખોળ કરીને આરોપીને પકડવા દે. એમાં અડચણ પેદા ન કરે.
•કોઈ એવા સ્થાન અથવા મકાનમાં તાળું તોડીને અથવા દરવાજો, બારી કે દીવાલ તોડીને અથવા મકાનમાં કોઈપણ રીતે પહોંચવાનો અને અપરાધીને પકડવાનો અધિકાર પોલીસ પાસે હોય છે.
પ્રશ્ન : મહિલા આરોપીઓની ક્યારે ધરપકડ કરી શકાય ?
જવાબ : મહિલા આરોપીઓની સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે ધરપકડ કરી શકાતી નથી. જે ધરપકડ કરવી જરૂરી હોય તો તેને માટે પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટની અનુમતિ જરૂરી છે.
પ્રશ્ન : શું ધરપકડ વખતે હાથકડી પહેરાવવામાં આવે છે ?
જવાબ : હાથકડી પહેરાવવી ગેરકાયદેસર છે.
પ્રશ્ન : હાથકડી ક્યારે અને કોને પહેરાવવામાં આવે છે ?
જવાબ : હાથકડી ફક્ત કુખ્યાત અને રીઢા ગુનેગારોને પહેરાવવામાં આવે છે અથવા જેની ભાગી જવાની શંકા હોય. આવા આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા સુધી હાથકડી પહેરાવી શકાય છે.
પ્રશ્ન : ધરપકડ પછી શું પ્રક્રિયા અપનાવવામાં આવે છે ?
જવાબ : ધરપકડ પછી તરત જ પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટને ધરપકડનો રિપોર્ટ આપવો જરૂરી છે.
• ધરપકડ કરાયેલ વ્યક્તિને ૨૪ કલાકમાં કોર્ટમાં રજૂ કરવો જરૂરી છે.
મેજિસ્ટ્રેટના આદેશ સિવાય ૨૪ કલાકથી વધુ અટકમાં રાખવો ગેરકાયદેસર છે.
શનિવાર, રવિવાર તથા તહેવારોની રજા દરમિયાન પણ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય છે. ૨૪ કલાકમાં પોલીસ સ્ટેશનથી અદાલત પહોંચવા સુધીના સમયને ગણવામાં નથી આવતો.
કોઈ મહિલાની દાક્તરી તપાસ ફક્ત કોઈ રજિસ્ટર્ડ મહિલા મેડિકલ ઓફિસરની દેખરેખમાં જ કરવામાં આવે છે. આ કાર્યવાહી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૫૩(૨)ની અંતર્ગત કરવામાં આવે છે.
પ્રશ્ન : ધરપકડ અંગેની સૂચના આરોપીના મિત્રો અથવા સંબંધીને કોણ આપે છે ?
જવાબ : ધરપકડ થયેલ વ્યક્તિના મિત્રો, સંબંધીઓ અથવા કોઈ અન્ય વ્યક્તિને પોલીસ
દ્વારા, જે સ્થાનેથી ધરપકડ થઈ તે જ સ્થાનેથી, સૂચના આપવામાં આવે છે.
• આરોપીની ધરપકડ પછી તરત જ તેને જણાવામાં આવે છે કે તે પોતાના કોઈ
પરિચિતને તેની ધરપકડની સૂચના આપવાના અધિકારનો ઉપયોગ કરી શકે છે.
• ધરપકડ અંગેની સૂચના જેને આપવામાં આવે છે તેનું નામ-સરનામું પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં નોંધી લેવામાં આવે છે.
• મેજિસ્ટ્રેટ એ બાબતની તપાસ કરે છે કે ધરપકડ થયેલ વ્યક્તિની સૂચના આરોપીના કોઈ મિત્ર, સંબંધી કે અન્ય પરિચિત વ્યક્તિને આપવામાં આવી છે કે નહીં. આ કાર્યવાહી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૫૦(ક)(૪) અંતર્ગત કરવામાં આવે છે.
પ્રશ્ન : શું ધરપકડ થયેલ વ્યક્તિના નિવેદન પર તેની ડૉકટરી તપાસ કરાવી શકાય છે ?
જવાબ : ધરપકડ થયેલ વ્યક્તિનો આ અધિકાર છે કે તેની ડૉક્ટરી તપાસ થાય.
• ધરપકડ થયેલ વ્યક્તિ આ અધિકારનો ઉપયોગ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના સમયે અથવા અટકાયતમાં હોય ત્યારે કોઈ પણ સમયે કરી શકે છે.
• આવી તપાસ સરકારી ડૉક્ટર દ્વારા અને જ્યાં આવા ડૉક્ટર ઉપલબ્ધ ને હોય ત્યાં રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પાસે કરાવવામાં આવે છે.
પ્રશ્ન : આરોપીની ડૉક્ટરી તપાસ કોણ કરે છે ?
જવાબ : સબ-ઈન્સ્પેક્ટરથી ઉપરના પદના કોઈ પણ પોલીસ અધિકારીના નિવેદન પર આરોપીની ડૉક્ટરી તપાસ કોઈ પણ રજિસ્ટર્ડ મેડિકલ ઓફિસર પાસે કરાવી શકાય છે, ફક્ત શરત એ છે કે તપાસ કરાવવા માટે પૂરતો આધાર/કારણ હોય
પ્રશ્ન : શું કાયદો પોલીસ કસ્ટડીમાં યાતના આપવાની રજા આપે છે ?
જવાબ : ના. પોલીસ કસ્ટડીમાં સતામણી, મારપીટ કરવી અથવા કોઈને અન્ય રીતે યાતના આપવી ગંભીર ગુનો છે.
પ્રશ્ન : જો કોઈ ગુનામાં કોઈ વ્યક્તિને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે તો શું તેના ઘરવાળા, ઓળખીતા અથવા સંબંધી સાથે જઈ શકે છે ?
જવાબ : જઈ શકે છે. પોલીસને એ અધિકાર નથી કે તે તેમને સાથે જતા રોકી શકે.
પ્રશ્ન : જો કસ્ટડીમાં પોલીસ દ્વારા ખરાબ વ્યવહાર કે મારપીટ કરવામાં આવી હોય તો તેની ફરિયાદ ક્યાં કરી શકાય છે? કેવી રીતે કરવામાં આવે છે ?
જવાબ : આવી ફરિયાદ મેજિસ્ટ્રેટ પાસે કરી શકાય છે.
• જો પોલીસનો કોઈ અધિકારી કસ્ટડીમાં સતાવે, તો તેનું નામ, દેખાવ જણાવીને તેની વિરુદ્ધ કોર્ટમાં કાર્યવાહી કરી શકાય છે.
• તાત્કાલિક ડૉક્ટર પાસે તપાસની માંગણી કરો. સરકારી ડૉક્ટર તપાસ કરશે અને રિપોર્ટ પણ આપશે.
પ્રશ્ન : જે કોઈ મહિલાને ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હોય તો તેને શું પુરુષ લોકઅપમાં રાખી શકાય?
જવાબ : મહિલાને ફક્ત મહિલાઓના જ રૂમમાં રાખી શકાય.
• કસ્ટડીમાં ખરાબ વ્યવહાર થવાથી મેજિસ્ટ્રેટ સમક્ષ ડૉક્ટરી તપાસની માંગ કરવી. મેજિસ્ટ્રેટ પણ ડૉક્ટરી તપાસનો આદેશ આપી શકે છે.
• પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ હાજર રહે એની માંગ કરવી જોઈએ.
પ્રશ્ન : પોલીસ સ્ટેશનમાં જો કોઈ અધિકારી કાગળ પર સહી કરવાનું કહે તો શું કરવું?
જવાબ : વાંચ્યા સિવાય અથવા જાણ્યા સિવાય કોઈ પણ કાગળ પર સહી ન કરવી, ન તો અંગુઠાનું નિશાન લગાવવું. જો તમે અભણ હોય તો કોઈની પાસે વંચાવી લેવું. મેજિસ્ટ્રેટને જણાવો કે અમારી પાસેથી બળજબરીથી સહી કરાવવામાં આવી છે.
પ્રશ્ન: પોલીસના ડરથી મોટે ભાગે નિર્દોષ પણ ગુનો કબૂલ કરી લે છે. ત્યારે તેને ન્યાય કેવી રીતે મળશે ?
જવાબઃ પોલીસની સામે ગુનો કબૂલ કરી દેવાથી દોષિત નથી ઠરાવી શકાતો. ફક્ત મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલ કરેલો ગુનો જ માન્ય છે. જો મેજિસ્ટ્રેટની સમક્ષ પોલીસ ગુનો કબૂલ કરવા દબાણ કરે તો સ્પષ્ટ ઈન્કાર કરી દેવો જોઈએ અને મેજિસ્ટ્રેટને પણ સાચું જણાવી દેવું જોઈએ કે અમારી ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે.
મહિલા કેદીઓના અધિકાર
• મહિલા કેદીઓના સ્વાસ્થ્યનું નિયમિત પરીક્ષણ જેલની હોસ્પિટલમાં કરાવવામાં આવશે.
• ગર્ભવતી મહિલાનું પરીક્ષણ તથા ઈલાજ જેલની હોસ્પિટલની સૂચનાથી સરકારી હોસ્પિટલમાં કરાવવામાં આવશે તથા સુરક્ષિત પ્રસવનો પ્રબંધ કરવામાં આવશે. વિશેષ ખોરાક તથા દવાઓ પણ આપવામાં આવશે.
• જેલમાં પ્રવેશ વખતે મહિલા ગર્ભવતી છે કે નહીં તેનું પરીક્ષણ સાવધાની રાખીને કરવામાં આવશે. મહિલા દાકતર દ્વારા જ પરીક્ષણ કરવામાં આવશે.
• કારાવાસનાં દિવસો દરમ્યાન જો કોઈ કેદી મહિલા ગર્ભવતી થઈ જાય ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. જો કોઈ જેલ અધિકારી અથવા કર્મચારી દોષિત જણાય તો તેના વિરુદ્ધ સખત ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે
• જો કોઈ કેદી મહિલાને બળાત્કાર અથવા બળજબરી અથવા સતામણીનો શિકાર બનાવવામાં આવે તો આરોપી વિરુદ્ધ એફ.આઈ.આર. લખાવી શકાય છે તથા અદાલત દ્વારા સજા અપાવી સાય છે.
પૂછપરછ
• કોઈ મહિલાને તેની પૂછપરછ તેના ઘરમાં જ કરી શકાય છે, અન્ય કોઈ જગ્યા પર નહીં. મહિલા પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં જવા ના કહી શકે છે.
• ૧૫ વર્ષથી નાના છોકરાઓને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ શકાતા નથી.
• પુરુષોને પણ પૂછપરછ માટે લેખિત આદેશથી બોલાવી શકાય છે.
• પૂછપરછ માટે કોઈ સમય નક્કી નથી. આપણે કોઈ નક્કી સમય જ પૂછપરછ માટે કરી ન શકીએ.
• જે આપણને એમ લાગે કે પોલીસ એવા સમયે આવે છે કે જેનાથી આપણને પરેશાની અને શરમ અનુભવવી પડે છે અથવા આપણી મર્યાદાનું ઉલ્લંઘન થાય છે તો આપણે કોઈ નક્કી કરેલ સમય પર જ સવાલો કરવાની માંગણી મેજિસ્ટ્રેટ પાસે કરી શકીએ છીએ.
પ્રશ્ન : શું સવાલ-જવાબ અથવા પૂછપરછને સમયે કોઈ મિત્ર અથવા વકીલની મદદ લઈ શકાય છે ?
જવાબ : હા, તમે જરૂરથી મદદ લઈ શકો છો અને પોલીસ તેની ના નથી કહેતી. જો એમ લાગે કે તમને જૂઠ્ઠાં આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે તો તમે જવાબ આપવામાં ના કહી શકો છો. તમે જેટલું જાણો છે તે બધું સાચું જણાવી દેવું જોઈએ.
પ્રશ્ન : શું પોલીસ અધિકારી પૂછપરછ સમયે ડરાવી-ધમકાવી શકે છે?
જવાબ : બિલકુલ નહીં. પોલીસ ઓફિસરને તમને ડરાવવાનો - ધમકાવવાનો અધિકાર નથી. તમને ફક્ત પૂછપરછ કે સવાલો માટે કસ્ટડીમાં કે લોકઅપમાં રાખી શકતા નથી. પોલીસ તમારી પાસે કોઈ કાગળ પર સહી કે અંગુઠાનું નિશાન કરાવી શકતા નથી.
ધરપકડ થયેલ વ્યક્તિની ઝડતી
• ફક્ત એક મહિલા જ કોઈ અન્ય મહિલાની ઝડતી લઈ શકે છે. એટલું જ નહીં, મહિલા ઝડતી લઈ રહી હોય ત્યારે પણ ઝડતી દરમ્યાન તેની સાથે ગેરવર્તન કરી શકાતું નથી. પુરુષ પોલીસ અધિકારી મકાન અથવા દુકાનની ઝડતી લઈ શકે છે
• ઝડતી લેવાવાળાની પણ ઝડતી લઈ શકાય છે.
• ચોરીનો સામાન અથવા બનાવટી દસ્તાવેજો વગેરેની કાનૂની રીતે ઝડતી લઈ શકાય છે. પરંતુ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર ઝડતી લેવી ગેરકાનૂની છે.
• કેટલાક કિસ્સામાં મેજિસ્ટ્રેટના વોરંટ સિવાય ઝડતી લઈ શકાતી નથી.
• ઝડતી અને જપ્તી કરતી વખતે પણ જરૂરી છે કે આજુબાજુ નિષ્પક્ષ પ્રતિષ્ઠિત વ્યક્તિ ત્યાં હોય.
• જે ઝડતી થતી હોય અને તેમાં કોઈ વસ્તુ જેવી કે રૂપિયા, પૈસા, ઝવેરાત વગેરે જપ્ત કરવામાં આવ્યું હોય તો તેનું પંચનામું બનાવવામાં આવે છે. પંચનામાની જગ્યાએ હાજર રહેવાવાળી એવી બે વ્યક્તિઓની સહીની જરૂર છે જે ઝડતી વખતે હાજર હોય. પંચનામાની એક નકલ સંબંધિત વ્યક્તિને પણ આપવામાં આવે છે.
• જો પોલીસના કહેવાથી પણ સ્થાન અથવા મકાનનો માલિક અથવા દેખરેખ કરવાવાળા સ્થાનને નથી ખોલતા અથવા દાખલ નથી થવા દેતા તો પોલીસ જરૂરી સાવધાની સાથે તે મકાનમાં બારી, દરવાજા તોડીને કે તાળું તોડીને કે અન્ય રીતે પ્રવેશ કરી ઝડતી કે નિરીક્ષણ કરી શકે છે.
• પોલીસ આવી કોઈ પણ કાર્યવાહીનો રેકોર્ડ રાખશે.
• જો ધરપકડ વખતે પોલીસ અથવા વોરંટના પાલન માટે આવેલ કોઈ વ્યક્તિને એવા સ્થળે કે મકાનમાં બંધ કરી દેવામાં આવે તો તેને અધિકાર હોય છે કે તે કોઈ અંદર અથવા બહારના સ્થાનનું તાળું તોડીને અથવા જરૂરી તોડફોડ કરીને બહાર આવી જાય.
• જો ઝડતી કરવાની હોય તે જગ્યામાં કોઈ સ્ત્રી પરદામાં રહેતી હોય, નિવાસ કરતી હોય તો પ્રથમ તેને બહાર નીકળી જવાનું કહેવું જરૂરી છે. તેના બહાર નીકળી ગયા પછી ઝડતીની કાર્યવાહી કરી શકાય છે.
• જો શક્ય હોય તો મહિલા પોલીસની મદદ લેવામાં આવે છે